By: Flashback Stories On: November 07, 2018 In: Blog, Poetry Comments: 5

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની,
બધાં તમારા આપઘાતના હિસાબ લખો

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો.

રમેશ પારેખ

 


અમે જ્યારે Flashback Stories મા Pen, Poetry, Mic ની શરૂઆત કરેલી ત્યારથી રમેશ પારેખની આ પંક્તિઓ ધ્રુવ તારાની માફક અમારી સાથે રહી છે અને આ જ સંદેશ અમે PPM માં આવનાર દરેક મિત્રને આપવા પ્રયત્ન કર્યો છે. દિલીપ રંગવાનીના એક વિચાર (આમ તો જીદ કહી શકાય) કે નવી નવી પ્રતિભા શોધીને એમને પ્લેટફોર્મ પૂરું પાડવું . એમાંથી આજે આ સફર એક વર્ષની પૂર્ણતા સુધી પહોંચ્યાનો અત્યંત આનંદ છે. આ વિચારના બીજમાંથી રોપાયેલો છોડ આજે કંઇક ફૂલ્યો ફાલ્યો છે અને એની પર પ્રથમ વખત ફૂલો ખીલ્યાં ની લાગણી થાય અમને સૌને થઈ રહી છે. આ ફૂલોનો સુગંધ કેટલે દૂર સુધી પહોંચી એ ખબર નથી, હા, એની માવજત માટે અમે તહેદિલ થી ઈમાનદાર કોશિશ કરી છે એની ખાતરી આપી શકું છું.

આગળ વધતા પેહલા ટુંકાણમાં ફ્લેશબેક સ્ટોરીઝની યાત્રાની વાત કરવાની લાલચ રોકી શકતો નથી. ( જો કે આજે આવા આનંદના અવસરે એક લુક બેક તો બનતા હૈ બોસ !!!).

દિલીપ, કુલદીપ, આકાશ, પવન, મોહિત અને હું એટલે કે કેયુર… અમે સૌ મળ્યાં થિયેટર મીડિયા સેન્ટરમાં ( જ્યાં અમે સૌ થિયેટર વર્કશોપના વિદ્યાર્થી તરીકે જોડાયા અને એના પછી પણ જોડાયેલા છીએ). સર્જનાત્મક ક્ષેત્રમાં પ્રથમ તક મળવી કેટલી મહત્વની છે એ અમે સૌ સારી રીતે જાણી અનુભવી શક્યા હતાં. માટે જ્યારે દિલીપે પ્રસ્તાવ મૂક્યો ત્યારે બધાં એ તેને વધાવી લીધો. બધાએ પોતપોતાની સૂઝ સમઝ મુજબ અને દિલીપની જરૂરિયાત મુજબ જવાબદારી ઉઠાવી લીધી. ૫ નવેમબર, ૨૦૧૭ એ પ્રથમ ઇવેન્ટ થી શરૂ કરી અત્યાર સુધી અમે PPM અમદાવાદ ( ૬ સીઝન) વડોદરામાં ( ૨ સીઝન) મુંબઈ ( ૧ સીઝન) કરી ચૂક્યા છીએ. સાથે સાથે કથનિક ( સ્ટોરી ટેલિંગ) ના પણ અમદાવાદ મુંબઈ અને વડોદરામાં ૧-૧ પ્રયોગ થઈ ચૂક્યા છે. જેમાં કાવ્ય અને લેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા કેટલાંય મિત્રોએ હોંશભેર ભાગ લીધો અને અમને આગળ વધવાનો ઉત્સાહ મળતો રહ્યો. PPM ની પોતાની યૂ ટ્યૂબ ચેનલ ( જેની પર સીઝન વાઈઝ બધાં જ પરફોર્મન્સના વિડિયોઝ અપલોડ થાય છે ) અને હવે વેબસાઈટ પણ કરી શક્યા છીએ એનો હર્ષ છે. મિત્રોના સતત સહકાર વિના PPM આ અશક્ય હતું.

હવે વાત આવી PPM ની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા ની.. તો થયું કે કવિ અને કવિતાઓ માટેના પ્લેટફોર્મની ઉજવણી તો કવિતાઓની મહેફિલ દ્વારા જ કરાય ને ? જો કે એની સાથે કંઇક મોટું અને અલગ પણ કરવું હતું ( મેં પેહલા કીધું નહિ? દિલીપની જીદ.. આ માણસ અમને ક્યારેય જંપીને બેસવા નહિ દે… લખી રાખો). અને અમને યાદ આવ્યાં દેવરરૂપ શર્માજી. જે મુંબઈ PPM મા કાવ્યપાઠ માટે આવ્યા હતા. અને મુશાયરાની ભાષામાં કહું તો “ઉન્હોંને મુશાયરા લૂટ લિયા થા”. એમની કક્ષાના શાયર જો અહીંના યુવાન સર્જક મિત્રોને માર્ગદર્શન આપે તો સોનામાં સુગંધ ભળે. તેમનો સંપર્ક કરતાં તેમણે અમારો ઉત્સાહ જોઈ તરત હામી ભરી. ( એક આડવાત, આ દેવરૂપ જી પાછા હરફનમૌલા માણસ છે. ગઝલકાર, ઉર્દૂ નાટ્ય શિક્ષક, સાલસા ડાંસર, એકટર અને ડિરેક્ટર . A man with multiple hats !!! )

નક્કી થયા મુજબ શનિવાર તારીખ ૩ નવેમ્બર ના રોજ દેવરરૂપભાઈ સાથે એક ગઝલ વર્કશોપ યોજવામાં આવી. જેમાં દેવરરૂપભાઈ એ રસાળ અને સરળ ભાષામાં ગઝલ સર્જન ના વિવિધ પાસાંઓ વિશે સમજ આપી. બીજા દિવસે એટલે કે રવિવાર બપોરે ૧ વાગે ભવન્સ કોલેજ, ખાનપુર ખાતે PPM સીઝન ૬ યોજાઈ.

કુલ ૨૬ મિત્રોએ ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પોતાની રચનાઓ સંભળાવી. જેમાં દેશભક્તિ, હથેળીમાં ના ચાંદ જેવા અચ્છે દિન, મી ટુ, પ્રેમ, સહજીવન, વિરહ, દિવાળીનો નોસ્ટેલજીયા, સમાજના સાંપ્રત પ્રશ્નો, માની મમતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, માણસમાં રહેલું રાવણ તત્વ જેવા વિવિધ વિષયો પર રસપ્રદ કવિતાઓ રજૂ થઈ. લઘુતા શર્મા, સંકેત શાહ, શિવાની શાહ, શ્રિયાંશ મિશ્રા જેવા મિત્રો સતત આવે અને કવિતાઓ રજૂ કરે એ અમારા માટે જુસ્સો વધારનાર વાત છે. ચંદન પાંડેની ગઝલ અને મુક્તકો પર શ્રોતાઓએ મન મૂકીને દાદ આપી. પાંડેજીના મોઢે તરનુમ્મમાં ગઝલ સાંભળવી એ એક લાહવો છે. રોહિત અવસ્થીજી એ પ્રણયના વીતેલાં દિવસોની વાત ગાઈને વાહવાહી લૂંટી.

અને પછી આવ્યા સ્ટાર ઓફ ધ ઇવનિંગ દેવરરૂપભાઈ… એમણે મુક્તકો, ગઝલ અને દોહની રમઝટ બોલાવીને મોજ કરાવી દીધી. અત્યંત રસપૂર્વક કવિતા રજૂ કરતા કરતા વચ્ચે આવતા ભારે ઉર્દૂ શબ્દો હોય કે ગઝલની લાક્ષણિકતાઓ, એમણે જે રીતે શ્રોતાઓને સમજાવ્યા, બહેલાવ્યા અને ડોલાવ્યા એ કાબિલે દાદ હતું.

દેવરરૂપભાઈને સાંભળીને મરીઝ સાહેબની આ પંક્તિઓ તાદૃશ થઈ એમ લાગ્યું.

” હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં”.

દેવરૂપ શર્માનું જે મને ગમતું એક દોહો છે
કાન્હા કાન્હા જો કરો
સીધે ચાલતા જાયે
રાધે-રાધે જાપ લો
પીછે કાન્હા આયે

શ્રોતાઓએ છેલ્લે તેમને સ્ટેન્ડિંગ ઓવેશનથી બિરદાવ્યાં.

અહીં ખાસ એ પણ નોંધવું રહ્યું કે ગુજરાતી પત્રકારત્વના જાણીતા દંપતી એવા તુષાર દવે સર – ખુશાલી દવે મેમ પણ હાજર રહ્યાં. તુષારભાઈ એ તેમના આવનાર પુસ્તક હમ્બો હમ્બોની વાત કરી તદુપરાંત બાળપણના સોનેરી દિવસોની યાદ અપાવતી કવિતા પણ સંભળાવી. ખુશાલી જી એ પણ તેમના આવનાર પુસ્તક કરિયર કોલિંગ ની વાત કરી. સૌ એ તેઓને આવનાર પુસ્તક માટે શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ પત્યા પછી એમની સાથેની વાતચીત અમારા માટે પીઠબળ રૂપ સાબિત થઈ.

અંતમાં અમે એક લાંબી આભારવિધિ કરી. જેમાં પ્રથમ સિઝનમાં વેન્યુ તરીકે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કેફે આપી દેનાર ચિરાગભાઈ, દિલીપના માતા પિતા ( ક્યા વડીલ પોતાના બાળકને આ રીતે કવિતાના અને કવિતાના કાર્યક્રમોના રવાડે ચઢવા દે ? અંકલ આંટીને શત શત વંદન). થિયેટર મીડિયા સેન્ટરના અમારા ગુરુજનો, કે જેમના આશીર્વાદ વગર અમે આમાંનું કશું જ શીખી કે કરી ના શક્યા હોત, એનો પૂર્ણ વિશ્વાસ છે. આ આખી સફરમાં જોડે રેહનાર અને નાની મોટી તમામ સહાય કરનાર દરેક દરેક મિત્રનો દિલથી આભાર. અમારી ટીમને શ્રોતાઓએ તાળીઓથી વધાવી એ અમારા માટે ગદગદ ક્ષણ હતી.

( ફરી મરીઝ સાહેબ યાદ આવે કે,
દુનિયામાં કૈકનો હું કરજદાર છું મરીઝ,
ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે. )

દિલીપે સૌને દિવાળીની શુભેચછાઓ આપતા આપતા દિવાળી પછી Flashback Stories ના આગામી આયોજન એવા ટોક શો ની જાહેરાત કરી ( જેની વિગતો અમે ટુંક સમયમાં જાહેર કરીશું)

કાર્યક્રમને અંતે કાવ્યતત્વ માં તરબતર થઈ સૌ વિખરાયા.

આ ઇવેન્ટ માટે અમે
સાહિત્ય સરિતા મુંબઈ,  શ્રી હિતેન આનંદપરા (Sir ) અને સાથે સાથે
ભવન્સ કોલેજના જીગર રાણા સાહેબ, અને નીરવભાઈ -ધવલભાઈના ખૂબ દિલ થી આભારી છીએ.

તો આ હતી વાત PPM ની પ્રથમ વર્ષગાંઠ ઉજવણીની. તમારા પ્રતિભાવ અને પ્રેમ સતત ઠાલવતાં રેહજો, શીખતા રેહજાે, કલમની ધાર તેજ કરતા રેહજાે, Pen Poetry & Mic ( PPM )  મા આવતા રેહજાે.

અંતે મનોજ ખંડેરિયા સાહેબના આ પંક્તિઓ સાથે વાત પૂરી કરું કે,

શ્રી સવા બારણે લખ્યાં કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે ?
તારે કાજે ગઝલ મનોરંજન,
મારે માટે તો પ્રાણવાયુ છે.

Flashback Stories સમગ્ર ટીમ તરફથી દિવાળી અને નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Blog By :- Keyur Trivedi
( Team Flashback Stories )

5 Comments:

 • Chandan Pandey
  November 09, 2018

  All credit goes to Flashback stories team
  And it is beautiful @Keyur Bhai❤️🙌🙏

  Reply
  • Flashback Stories
   November 11, 2018

   Thank you :))

   Reply
 • Reena
  November 10, 2018

  A nice begining….want to join in future.

  Reply
  • Flashback Stories
   November 11, 2018

   Sure… like our facebook page or else be updated on this website for our upcoming events.
   to watch videos of previous event… kindly check our youtube channel
   http://www.youtube.com/c/flashbackstories

   Reply
 • Laghuta Sharma
  November 11, 2018

  Well written keyur ji
  It’s our pleasure to performed the stage of ppm ….

  Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *